
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
*ડ્રાઈવિંગ લાયસન્સ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, દબાણ, ગેરકાયદેસર બાંધકામ સહિતની અરજીઓનો નિકાલ કરાયો*
સંજીવ રાજપૂત, એબીએનએસ જામનગર: જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં કલેકટરએ અરજદારોની અરજીઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
કાર્યક્રમમાં જામનગર જીલ્લાના ૧૧ જેટલા અરજદારોની અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ અરજીઓમાં મુખ્યત્વે ડ્રાઈવિંગ લાયસન્સ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, દબાણ, ગેરકાયદેસર બાંધકામ અંગેના અરજદારોના પડતર પ્રશ્નો અંગે કલેકટરએ લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વરિત અને સંતોષકારક નિવારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોકોના વણઉકેલ્યા પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ આવે સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, શહેર પ્રાંત અધિકારીશ્રી પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.