
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં પાટણમાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું.
એબીએનએસ, અનિલ રામાનુજ, પાટણ:-હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકાર નું નરમ વલણ અને કટ્ટરવાદી લોકો ને આપવામાં આવી રહેલ સંરક્ષણ પ્રત્યે પાટણની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઈક રેલી જુના શિશુ મંદિર થી યોજવામાં આવી હતી. બાઈક રેલીમાં પ.પૂ. નિજાનંદ સ્વામી (ગોતરકા) સહિત પાટણ અને પાટણ પંથકના સંતો, વહેપારીઓ, વિવિધ એન. જી. ઓ., ધાર્મિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાનો , બહેનો,યુથ મંડળો, ઇસ્કોન સંસ્થાના સંતો, ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્ર પ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા. હજારોની ઉપસ્થિત જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો
બાઈક રેલી ની શરૂઆતમાં હિન્દુ હિત રક્ષા સમિતિ ના ભીખાભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ ભાઈઓ/બહેનો અને બાળકો પર હુમલાઓ તથા મંદીરોની તોડફોડ બહું સંખ્યક કટ્ટરપંથીયો દ્રારા થઈ રહી છે અમાનુષી અત્યાચારો ની પરાકાષ્ઠા થઈ રહી છે. હિન્દૂ સમાજને યોજના પૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુક બનીને તેને સમર્થન આપી રહી છે. બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી ની ધરપકડ કરવામાં આવી છે.અને એમના માટે કેસ લડનાર વકીલ ને પણ માર મારવામાં આવ્યો છે.અન્ય અનેક સંતો ની પણ ઘરપકડ કરવામાં આવી છે.ચિન્મય કૃષ્ણદાસજી સહિત ના સંતો ની મુક્તિ તથા હિંદુ સમાજ પર તાત્કાલિક અસરથી અત્યાચારો બંધ કરવામાં આવે એ માટે પાટણ પંથકના ધર્મ પ્રેમી લોકો ભારત સરકારને આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા તથા બાંગ્લાદેશ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું અને આવી ઘટનાઓ બંધ ના થાય તો ગુજરાત સહિત દેશભરમાં થી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી લોકોને હાંકી કાઢવા માટે ભારત સરકાર ને વિનંતી કરી હતી. સાથે સાથે આવા સંવેદનશીલ વિષયમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેમ છતાં માનવ અધિકારની હિમાયત કરનાર માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બાઈક રેલી જુના શિશુ મંદિર થી મદારસા, હિંગળાચાચર ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, સિદ્ધપુર ચાર રસ્તા થી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં પ.પૂ. નિજાનંદ સ્વામીએ આક્રમક રીતે ઉપસ્થિત વિરાટ ધર્મપ્રેમી જનતાને આગામી સમયમાં ધર્મ ને બચાવવા માટે તૈયાર રહેવા માટે આહવાન કર્યું હતું. બાદમાં સિધવાઈ માતા મંદિર થી ઉપસ્થિત સૌ પદયાત્રા સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિ ના સભ્યો એ કલેકટર ને આવેદનપત્ર આપી આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ ને પહોંચાડવા વિનંતી કરી હતી.