
ગોધરા ખાતે “મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન” અંતર્ગત આશા બહેનો માટે તાલીમ સેમીનાર યોજાયો*
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ):
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ગોધરા દ્વારા મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત (international day for the Elimination of violence against women) ઘરેલું હિંસા જાગૃતિ અંગે લાવવા જિલ્લા પંચાયત હસ્તકના આઇસીડીએસ વિભાગ સાથે મળી સંયુક્ત રીતે આશા તાલીમ – જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
ગોધરા શહેર ખાતે યોજાયેલ આશા તાલીમ વર્કશોપમાં પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) ના કાઉન્સેલર દ્વારા તા.૨૫ નવેમ્બરથી તા.૧૦ મી ડિસેમ્બર સુધી ઉજવાઇ રહેલા મહિલા વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંગે સમજૂતી આપવામાં આવી અને મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરી, તેના હેતુઓ, ઉદેશ્યો, અભિગમો વિશે જાણકારી આપીને સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ ૨૦૧૨ તથા બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અને ઘરેલુ હિંસા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
ઉપરાંત આશા બહેનોને મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ જેમાં વ્હાલી દીકરી યોજના, વિધવા પેન્શન યોજના, ગંગાસ્વરૂપા યોજના, વિધવા પુન:લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના વિશે તથા 100, 181, 1098 અને 1930 હેલ્પલાઇન સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આઇસીડીએસમાંથી સર્વેશભાઇ, મહિલા સહાયતા કેંદ્રના કાઉંન્સિલર અને કેન્દ્રમાં કામ કરતાં કર્મીઓ તથા તાલીમાર્થી આશા બહેનો હાજર રહ્યાં હતાં.