
અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતી તમિલનાડુની ૪૬ વર્ષીય મહિલાને સહી સલામત તેમના વતન પહોંચાડતું ગોધરા નારી સંરક્ષણ કેન્દ્ર
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ)::
સત્યા પાન્ડી નામની મહિલા ઓગસ્ટ -૨૦૨૩માં ગોધરા નજીક છબનપુર, ખોડિયાર મંદિરની આગળથી મળી આવ્યા હતા. આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, ગોધરા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.મહિલાના વાલી વારસો શોધવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ કોઇ વાલી વારસોના મળતા મહિલાને સપ્ટેમ્બર -૨૦૨૪માં નારી સંરક્ષણ કેન્દ્ર, ગોધરામાં આશ્રય હેઠળ રાખવામા આવ્યા હતા. ત્યાં મહિલા સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતાં તેઓ તમિલભાષા બોલતા હતા.
જેથી તમિલભાષાનાં જાણકાર વ્યક્તિને કેન્દ્ર ખાતે લાવવા માટે નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર દ્વારા હાલોલ સ્થિત આદિત્ય બિરલા કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો અને તમિલભાષા જાણકાર ભાઈને નારી સંરક્ષણ કેન્દ્રમાં રૂબરુ મહિલા સાથે વાત કરતા, વાતચીત દરમિયાન જાણકારી મળી કે મહિલા તમિલનાડુ રાજયના શિવગંગાઈ જિલ્લાનાં રહેવાસી છે અને ત્યારબાદ મહિલાએ પોતાનું વિગતવાર સરનામુ જણાવ્યું હતું.
આ મહિલા તમિલનાડુના શિવગંગાઈ જિલ્લાના વી.મલપટીના મૂળ નિવાસી હોવાની માહિતી મળતા નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા દ્વારા શિવગંગાઈ જિલ્લાનાં સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્યાંથી મહિલાના સરનામાની જાણકારી મેળવી પરિવારનો સંપર્ક સાધવામાં આવતા મહિલા અસ્થિર મગજના હોવાથી મહિલાનો પરિવાર તેમનો કબજો સંભાળવા અને મહિલાને ઘરે પાછા લેવા માટે સમંત નહોતા. જેથી નારી સંરક્ષણ કેન્દ્રનાં મેનેજર દ્વારા તમિલનાડુ રાજયના શિવગંગાઈના જિલ્લા કલેકટરશને પત્રવ્યવહાર મારફતે મહિલાને તેમના રાજયનાં સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવા માટે રજુઆત કરવામાં આવી હતી. કલેકટરએ મહિલાને શિવગંગાઇ જિલ્લાનાં સખી વન સ્ટૉપ સેન્ટરમાં તબદિલ કરવા જણાવતા પંચમહાલ જિલ્લા કલેકટર અને નારી સંરક્ષણ કેન્દ્ર વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષની મંજૂરી લઈને પોલીસ વાહન અને પોલીસ જાપ્તો તેમજ નારી સંરક્ષણ કેન્દ્રના સ્ટાફ સાથે મહિલાને તેમના રાજ્યમાં શિવગંગાઇ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવા ટીમ રવાના થઈ અને તા.૨૯/૧૧/૨૪ ના રોજ મહિલાને સખી વન સ્ટૉપ સેન્ટર શિવગંગાઈ, તમિલનાડૂને સહી સલામત સ્થિતિમાં સોંપવામાં આવ્યા હતાં.
મહિલાને તેમના વતનમાં મુકતા તેઓ ખુબજ ખુશ જણાઈ આવ્યા હતા. આમ, એક અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતી તમિલનાડુની ૪૬ વર્ષીય મહિલાને નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય આપીને તેમની સંભાળ રાખવામાં અને મહિલાને તેમના વતનમાં પરત સહી સલામત મોકલી નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા દ્વારા માનવીય અભિગમ સાથે સરાહનીય કામગીરી કરવામાં આવી છે.