
પાટણ ખાતે ‘‘બાળ વિવાહ મુક્ત ભારત’’ અભિયાનની ઉજવણી કરાઇ
એબીએનએસ, અનિલ રામાનુજ, પાટણ :* મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા તા. ૨૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતેથી ‘‘બાળ વિવાહ મુક્ત ભારત’’ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત પાટણ જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા એકમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ. કચેરી, શિક્ષણ વિભાગની KGBV, શાળાઓ, કોલેજો, આશ્રમ શાળાઓ, હોસ્ટેલો, બાળગૃહ, પોલીસ વિભાગ, DLSA, ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ વગેરે દ્રારા બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારો વગેરેને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે.
બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે અને આપણા વિસ્તારમાં/આપણા ગામમાં કે આપણા મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી અને જાગૃતિ લાવવા જણાવેલ હતું. અન્યથા બાળલગ્નના કાયદા મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.
જેથી જો બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ-લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ (૧૦૦), મહિલા અભયમ (૧૮૧), ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) ટોલ ફ્રી વગેરે જેવા હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા જાહેર વિનંતી કરવામાં આવેલ હતી. આવી જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે વગેરે અંગેની સમજ આપી હતી. સરકારશ્રીના આ ‘‘બાળ વિવાહ મુક્ત ભારત’’ અભિયાનમાં આપણે સૌ સાથે મળી આપણો પાટણ જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો બનાવવા સંકલ્પ લેવાયો હોવાનું જિલ્લા બાળ સુરક્ષા એકમ,પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.