
હારીજના ૬ ગામના ખેડૂતોએ અરીઠા ડિસ્ટ્રીક નહેરમાં ઉતરી પાણી મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ૬ ગામના ખેડૂતોએ અરીઠા ડિસ્ટ્રીક નહેરમાં ઉતરી પાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.રવિ સીઝનમાં નર્મદાનું પાણી સમયસર ન મળતા “પાણી આપો,પાણી આપો “ના નારા લગાવ્યા હતાં. હાલ ખેફુતોએ ખેતરમા કરેલા વાવેતર મા એરંડા,ઘઉં,તમાકુ, રાયડો, અજમો, જીરું, સહિતના રવિ પાકોમાં નુકસાનની ભીતી સેવાઇ હતી. ત્યારે હારીજ સબ બ્રાન્ચ કેનાલમાં આવતી અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં સીઝનમાં અંડર ગ્રાઉન્ડ નાળાનું કામ ચાલુ હોવાથી ખેડૂતોને સમયસર નર્મદાનું પાણી ના મળતા સોઢવ, પાલોલી, અરીઠા, બુડા તમામ ગામોને બિલકુલ નર્મદાનું પાણી ના મળતાં તાલુકા પંચાયત સદસ્ય ભરત પરમારની અધ્યક્ષતામાં ૬ જેટલા ગામોના ખેડૂતોએ સાથે મળી કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નર્મદા નિગમના અધિકારીઓને કેનાલ પર રૂબરૂ બોલાવી ખેડુતોએ લેખિત રજુઆત કરી તાત્કાલિક ધોરણે પાણીની માગ કરી હતી અને તાત્કાલિક ધોરણે નાળાની કામગીરી પૂર્ણ કરી પાણી આપવા માગ કરી હતી. તેમજ વધુમાં ભરત પરમારે જણાવ્યું હતું કે અરીઠા ડિસ્ટ્રીકમાં આવતા જશોમાવ,અરીઠા,સોઢવ, જમણપુર, પાલોલી,બુડા, સહિતના ગામોમાં રવિ સીઝનમાં વાવેતર કરેલ પાકોને સમયસર નર્મદાનું પાણી નહિ મળે તો આગામી દિવસોમાં નર્મદાનું પાણી નહિ મળે તો ખેડૂતો સાથે ધરણા પર તથા ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.