
સામૂહિક આરોગ્ય કેન્દ્ર સમી ખાતે નવીન તબીબી સાધન સામગ્રી અને એમ્બ્યુલન્સવાનનું લોકાર્પણ કરાયું
અનિલ રામાનુજ, એબીએનએસ રાધનપુર: સામુહિક આરોગ્ય કેન્દ્ર, સમી ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે લીલીઝંડી આપી એમ્બ્યુલન્સ વાનને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન હેતલબેન ડાભી , તાલુકા પંચાયત પ્રમુખ હર્ષિદાબેન દવે, સિંચાઈ સમિતિના ચેરમેન બાબુજી ઠાકોર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શંખેશ્વર આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં એમ્બ્યુલન્સવાન થકી લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે સારું તત્કાલીન સાંસદ સભ્ય જુગલસિંહ મથુરજી લોખંડવાલા (રાજયસભા)ની વર્ષ ૨૦૨૨-૨૩ આયોજનની ગ્રાન્ટની જોગવાઈમાંથી શંખેશ્વર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રને રૂપિયા ૨૦.૦૦ લાખની વિવિધ સુવિધા સજ્જ એમ્બ્યુલન્સ વાન તથા વર્ષ ૨૦૨૩-૨૪ આયોજન કચેરીની ૪૪.૦૦ લાખની ગ્રાન્ટની જોગવાઈમાંથી અત્યાધુનિક નવીન તબીબી સાધન સામગ્રી સારૂ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જે અન્વયે સામુહિક આરોગ્ય કેન્દ્ર, સમી એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ અને નવીન તબીબી સાધન સામગ્રી અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર, સમી અને શંખેશ્વરને સોં૫વામાં આવી હતી.આ પ્રસંગે સમી અને શંખેશ્વર તાલુકાના પદાધિકારીઓ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સમી અધિક્ષક, તાલુકા હેલ્થ ઓફિસર સમી અને શંખેશ્વર તેમજ મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.