
બાળ તસ્કરી મુદ્દે નગરપાલિકા દ્વારા બાળકના જન્મ પ્રમાણપત્ર આપવા મુદ્દે વિરોધ….
*નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર અપાયું,નકલી ડોક્ટરનો SOGએ ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો*
*માસૂમની તસ્કરીમાં રાજકારણ ગરમાયું.. રાધનપુરના કોરડા ગામથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની ધરપકડ બાદ માસૂમ બાળકની તસ્કરીનો બનાવ સામે આવતાં રાજકારણ ગરમાયું..*
*કોંગ્રેશ મહિલા પ્રમુખ કોંગ્રેશના કાર્યકરો સાથે રાધનપુર પાલિકા પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું..પાલિકા અધિકારીની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે જઈને 2 હજારની ગુલાબી નકલી નોટોનો વરસાદ કરીને વિરોધ કરવામાં આવ્યો..*
*એબીએનએસ, અનિલ રામાનુજ, રાધનપુર :* પાટણ જિલ્લના રાધનપુરમાં બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે.ત્યારે બોગસ ડોક્ટર બાળકોની સોદાબાજી કરતો હોવાનું સામે આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યારે 1.20 લાખમાં બાળકોને વેચી મારવાના બનાવમાં બોગસ ડોક્ટરનું ભાજપના નેતાઓ સાથે કનેક્શન ખૂલતાં રાજકારણ ગરમાયું છે.પાટણ જિલ્લા કોંગ્રેસે મહિલા કાર્યકરો સાથે નેતાઓ જોડાયા હતા અને રાધનપુર નગરપાલિકાની કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું. એમાં જન્મ-મરણ નોંધણી અધિકારી પર કોંગ્રેસ મહિલાપ્રમુખ જયાબેન સોનીએ એક લાખની રકમ જેટલી ગુલાબી 2000ની નકલી નોટો ફેંકી હતી, સાથે બધાં કામ પૈસાથી થતાં હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.રાધનપુરના કોરડા ગામથી પકડાયેલા બોગસ ડોક્ટર દ્વારા વેચવામાં આવેલા બાળકના જન્મનું સર્ટિફિકેટ નગરપાલિકામાંથી આપવામાં આવ્યું છે. ત્યારે રાધનપુર કોંગ્રેસ દ્વારા આ જન્મ પ્રમાણપત્ર કાઢવા મુદ્દે નગરપાલિકાના જન્મ-મરણ શાખામાં નોટો ઉછાળી વિરોધપ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
*અન્ય જન્મના પ્રમાણપત્રની તપાસ માટે SIT રચવા માગ:-* કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોનીએ જણાવ્યું હતું કે રાધનપુરમાં જે ઘટના બની છે, જે માસૂમ બાળકનું નગરપાલિકા દ્વારા પોતે ખોટું સર્ટિફિકેટ આપી દીધું છે એનું વિરોધપ્રદર્શન રાખ્યું છે. આ નગરપાલિકા જે કામ કરવાના છે તે કરતી નથી. એમાં બાળકનો શો વાંક હતો? આ બાળકના આ કાળા ધંધા નગરપાલિકા કરી રહી છે. અમારી માગણી એવી છે કે એક જ જન્મપત્ર આપ્યું છે કે હજુ ઘણાં બધાં આપેલાં છે એની સચોટ તપાસ થવી જોઈએ, એના માટે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવે, તપાસ થવી જોઈએ એવી અમારી માગ છે. અત્યારે અમે ‘પૈસા આપો… ‘ના નારા લગાવ્યા છે. પૈસા આપો અને કામ કરો એવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા 2 હજારની નોટો ફેંકીને વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે.
માસૂમની તસ્કરીમાં રાજકારણ ગરમાયું રાધનપુરના કોરડા ગામથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની ધરપકડ બાદ માસૂમ બાળકની તસ્કરીનો બનાવ સામે આવતાં રાજકારણ ગરમાયું છે. એક તરફ પકડાયેલો બોગસ ડોક્ટર ભાજપના નેતાઓ સાથે નજીકના સંપર્કમાં હોવાની ઘણી તસવીરો સામે આવી છે, તો સાથે સાથે પકડાયેલા બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર ભાજપનો કાર્યકર્તા પણ હોવાનું બહાર આવ્યું છે.
*નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર અપાયું:-* પોલીસ ફરિયાદમાં બાળતસ્કરી મામલામાં રાધનપુર નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, એ ખોટું છે. તો હવે રાધનપુર શહેરમાં કોંગ્રેસની મહિલા જિલ્લાપ્રમુખ દ્વારા રાધનપુર નગરપાલિકામાં જઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને રૂપિયા લઈને નકલી પ્રમાણપત્રો બનાવી આપવાના આક્ષેપો કરતાં નગરપાલિકા અધિકારીની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે જઈને નકલી નોટોનો વરસાદ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
*નકલી ડોક્ટરનો SOGએ ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો:-* પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ બાળકને વેચવાના કેસમાં સુરેશ ઠાકોરની કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે સબ જેલમાંથી તેનો કબજો મેળવ્યો છે, ત્યારે આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની અટક બતાવી હતી. નીરવ મોદી અને તેની પત્નીએ રાધનપુર નગરપાલિકામાં બાળકના નામની નોંધણી કરાવી હતી. બાળક વેચવા મામલે અને ખોટા પુરાવા બાબતે SOG વધુ પૂછપરછ કરશે.
*પરત કરાયા બાદ બાળક કઈ સ્થિતિમાં અને ક્યાં છે એની માહિતી નથી:-* પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ હજુ બાકી છે. કારણ કે હજુ સુધી ફરિયાદમાં જે બાળકને વેચવામાં આવ્યું છે તે બોગસ ડોક્ટરને પરત આપ્યા બાદ અત્યાર તે બાળક કઈ જગ્યાએ અને કેવી પરિસ્થિતિમાં છે એની હજુ કોઈ માહિતી સામે આવી નથી. તો બીજી તરફ બાળક વેચવામાં નિષ્કા હોસ્પિટલના ફાર્મસિસ્ટ નરેન્દ્ર દરજીને 20,000 રૂપિયા આપી દેવા કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
*મોદી દંપતીના નામે બાળકનું ખોટું જન્મનું પ્રમાણપત્ર મેળવ્યું:-* આ બાળક પાટણના યુવક નીરવ મોદીનું ન હોવા છતાં તેમના અને તેમનાં પત્નીના દીકરા તરીકેના નામે વંશ તરીકે રાધનપુર નગરપાલિકામાં કોઈએ ખોટી રીતે નોંધણી કરાવી છે અને બાળકનું ખોટું જન્મનું પ્રમાણપત્ર મેળવ્યું છે. એ બાબતે તપાસમાં વધુ વિગતો સામે આવવાની બાકી છે. ત્યારે બાળકના વેચાણ કેસમાં કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે સબ જેલમાંથી તેનો SOGએ કબજો લીધો હતો. પોલીસ આ બાબતે વધુ સઘન તપાસ કરવા આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની પૂછપરછ કરશે. SOGની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવશે.