
પોલીસ સ્ટેશન અને અંબાજી મંદિરની મુલાકાત લેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખાણપાટલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ સ્ટાફ દ્વારા દામાવાવ પોલિસ સ્ટેશન તેમજ રિંછવાણી ખાતે આવેલ અંબેમા મંદિરની મુલાકાત કરાવવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓને પોલિસ સ્ટાફ દ્વારા પોલીસની કાર્ય પધ્ધતિથી વાકેફ કરવામા આવ્યા હતા.
ખાણપાટલા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ દામાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. પોલિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી દુર રહેવુ તેમજ પરીવારને પણ વ્યસનથી દૂર રહેવા સમજ આપવામા આવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને કાયદાઓ વિશે પણ સમજ આપવામા આવી હતી. પોલિસ સ્ટેશનમાં આરોપીને રાખવામા આવતા લોકઅપ ની પણ મુલાકાત કરાવી હતી. તેમજ રાયફલના ઉપયોગ અંગે પણ માહીતી આપવામા આવી હતી.
અને ત્યારબાદ રીંછવાણી ખાતે આવેલ અંબેમાના મંદિરમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે દર્શન કર્યા હતા. બાળકો સાથે શાળાના આચાર્ય પ્રભાતસિંહ બારીઆ અને શાળાના શિક્ષકો સહીત પોલિસ સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.