
રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી… બસ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા મુસાફરોની માંગ
અનિલ રામાનુજ, એબીએનએસ પાટણ, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવા મજબુર બન્યા હતા.રાધનપુરથી વાગડના બાલાસર જતી બસ પંદર દિવસથી બંધ કરતા આ વિસ્તારના મુસાફરોને મુસાફરી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાધનપુરથી બાલાસર જતી બસ લોકો માટે ઘણી ઉપયોગી હોય આ બસ બપોરે રાધનપુરથી 2:30 કલાકે ઉપડતી હતી અને વારાહી, સાંતલપુર, પીપરાળા થઈ વાગડ વિસ્તારના બાલાસર ગામે જતી હતી. વાગડ વિસ્તારના લોકોને રાધનપુર અથવા વારાહી આવવા માટે આ બસ ઉપયોગી હતી. આ બસ બંધ થતાં લોકોને ભારે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ હાઇવેથી અંદર ચાર કિલોમીટર છે જે એક જ બસ પીપરાળા ગામમાં જતી હતી તેને લઈ લોકોને આવવા જવા માટે સવલતો રહેતી હતી. તો આ વિસ્તારના લોકોની માંગ છે કે આ બસ તાત્કાલિક ચાલુ કરવામાં આવે પીપરાળાના લોકોએ જણાવ્યું હતું કે આ બસ 15 દિવસથી બંધ કરવામાં આવી છે.અમારું ગામ હાઇવેથી 4 કિલોમીટર છે અને એક જ બસ અમારા ગામમાં આવતી હતી બાકીની એસટી બસો હાઇવે ઉપર ઉભી રહેતા ગામ લોકોને કચ્છમાં જવા અથવા રાધનપુર જવા માટે ચાર કિલોમીટર ચાલીને આવવું પડે છે તો બસ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.