
રાધનપુર યુજીવીસીએલ કચેરીની બેદરકારી શોર્ટ સર્કિટ ની દહેશત…
*વીજ પોલ પર વીંટળાયેલ વેલો ટ્રાન્સફોર્મર નજીક ઝાડી ઝાંખરા થી આગ લાગવાની ભીતી..
*ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી માટે વીજ કંપનીને સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો ન હોવાનું શહેરમાં જોવા મળી રહ્યું છે…*
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં જાહેર માર્ગો પરના વીજપોલ પર વીંટળાયેલ વેલો તેમજ ટ્રાન્સફોર્મર આજુ બાજુમાં ઉગી નીકળે ઝાડી ઝાંખરાના કારણે શોર્ટ સર્કિટ તેમજ આગ લાગવાની ભીતિ સેવાઇ રહી છે. થોડા સમય અગાઉ ટ્રાન્સફોર્મર નજીક ઝાડી ઝાંખરા ને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો.અને એકાદ જગ્યાએ ઝાડી ઝાંખરામાં દૂર કરી કામગીરી કર્યાનો યુજીવીસીએલ કચેરી દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો.
રાધનપુર શહેરમાં આવેલ યુજીવીસીએલ કચેરી ખાતે ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ દૂર દૂરથી અપડાઉન કરતા હોય શહેરમાં કેટલીય જગ્યાએ વીજ પોલ પર વેલો વીંટળાઈ ગઈ છે. તેમજ જાહેર માર્ગોને અડીને લગાવેલા ટ્રાન્સફોર્મર આજુબાજુ અને નીચે મોટા મોટા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. શહેરમાં જલારામ સોસાયટી સામે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર આજુબાજુ નીકળેલ બાવળો ને કારણે ટ્રાન્સફોર્મર પણ દેખાતું નથી જ્યારે મસાલી રોડ પર ભણસાલી ટ્રસ્ટની દીવાલને અડીને ઉભેલા વીજ પોલ પર વેલ વિંટળાઈ જતા વીજ પોલ પણ દેખાતો નથી તેની બાજુમાં ટ્રાન્સફોર્મર નજીક પણ મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે જ્યારે વલ્લભ નગર પ્રાથમિક શાળા પાસે ટ્રાન્સફોર્મર નજીક બાવળો ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો અને શહેરમાં ઠેર ઠેર વીજ ટ્રાન્સફોર્મર આજુબાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા ને કારણે ટ્રાન્સફોર્મરમાં વીજ ફોલ્ટ સર્જાતા આગ લાગવાની શક્યતાઓ જણાઈ રહી છે. થોડા સમય અગાઉ ભાભર રોડ પર ટ્રાન્સફોર્મર નજીક ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા ને કારણે આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ એકાદ જગ્યાએ કામગીરી કરી સ્થાનિક વીજ કચેરીના અધિકારીઓએ સંતોષ માન્યો હતો. ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી માટે વીજ કંપનીને સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો ન હોવાનું શહેરમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક વીજ કચેરીના કારણે સર્જાતા વીજફોલ્ટથી શહેરીજનોને મોટું નુકસાન વેચવાનો વારો આવે છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.