
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. જો કે, કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આપ અને કોંગ્રેસ હરિયાણામાં ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ કેટલીક બેઠકો મુદ્દે પેચ ફંસાયેલો છે, આ છતાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ગઠબંધન અંગે ટુંક સમયમાં સારા સમાચાર મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?
આપ નેતા રાઘવ ચઢ્ઢાએ રવિવારે (8 સપ્ટેમ્બર) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘હું કોઇ પણ બેઠક અંગે વ્યક્તિગત નિવેદન આપવા માંગતો નથી. હું હાલ એટલું જ કહી શકું છું કે બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની ઈચ્છા અને આશા છે. નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે અમે આ પહેલા નિર્ણય કરી લઈશું અને જો ગઠબંધન અંગે અમારા વચ્ચે સહમતિ નહી બનશે કે અમને જીત નહીં દેખાશે તો અમે તેમનો સાથ છોડી દઇશું.’
જો કે, આ પછી તેમણે કહ્યું કે, ‘અત્યારે હું આ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી. અત્યારે હકારાત્મક વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે. સારી ચર્ચાઓ થઇ રહી છે, મને ખાતરી છે અને હું આશા રાખું છું કે હરિયાણાના હિતમાં, દેશના હિતમાં અને લોકશાહીના હિતમાં વાટાઘાટોથી ચોક્કસ સારા નિષ્કર્ષ નીકળશે. હું તમારા બધા સાથે આંકડા શેર કરી શકતો નથી. આશા છે કે ટૂંક સમયમાં અમે બધા મીડિયાની સામે આવીશું અને તમને સારા સમાચાર આપીશું.’
કોંગ્રેસ-ભાજપના બળવાખોરો પર આપની નજર
સૂત્રો મુજબ, આમ આદમી પાર્ટી કલાયત બેઠક અંગે કોઈ સમજૂતી કરવા માંગતી નથી, તેમજ તે કુરુક્ષેત્રમાં પણ એક બેઠકની માંગ કરી રહી છે. આ ઉપરાંત આપ તેની પાર્ટીના પ્લાન ‘બી’ પર પણ કામ કરી રહી છે, જેમાં તે કોંગ્રેસ અને ભાજપના બળવાખોરો પર નજર રાખી રહી છે. જો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન નહીં થાય તો તે કોંગ્રેસ-ભાજપના બળવાખોરો સહિત અન્ય ઉમેદવારોને ટિકિટ આપીને તેની યાદી જાહેર કરશે.
સોમનાથ ભારતીનો કોંગ્રેસ પર પ્રહાર
રાઘવ ચઢ્ઢાના આ નિવેદન પહેલા આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ કોંગ્રેસ સાથેના ગઠબંધનને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ગુપ્ત રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા અને ખડગે સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આપ ઉમેદવારો માટે કોઈ પ્રચાર કરવામાં આવ્યો ન હતો. અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, આપના દિગ્ગજ નેતાઓ અને કેબિનેટ મંત્રીઓએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો માટે રોડ શો કર્યા હતા, પરંતુ કોંગ્રેસે આપના ઉમેદવારોને ખાસ કરીને મને કોઇ સમર્થન આપ્યું નહોતું.’